મુશ્કેલ સમયે ઇઝરાયેલની પડખે છે ભારતઃ PM મોદી

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ જારી છે. અત્યાર સુધી બંને બાજુ 1000થી વધુ લોકોનાં મોત થયાં છે. વિશ્વની નજર આ મામલા પર છે. વડા પ્રધાન મોદીએ ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહૂને ફોન કરવા માટે આભાર વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે નેતાન્યાહૂને તાજી સ્થિતિ વિશે અપડેટ આપવા માટે આભાર વ્યક્ત ક્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂનો આભાર વ્યક્ત કરું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયે ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઊભા છે. ભારત આતંકવાદના દરેક ફોર્મેટની સ્પષ્ટ નિંદા કરે છે.

ઇઝરાયેલ પર હમાસના રોકેટ હુમલાની સામે ઇઝરાયેલની પ્રતિક્રિયા પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. નવી દિલ્હી ક્ષેત્રીય ગઠબંધનો અને રાજકીય રીતે મધ્ય-પૂર્વમાં એક મોટી ભૂમિકા પર ભાર મૂકી રહ્યું છે. વડા પ્રધાને ઇઝરાયેલના શહેરોમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામે સંવેદનાઓ અને નિર્દોષ પીડિતો માટે દિલસોજી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે ઊભા છીએ.

બીજી બાજુ પેલેસ્ટાઇનના એમ્બેસેડર અદનાન અબુ અલહૈજાએ કહ્યું હતું કે આ વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની હરકતોની પ્રતિક્રિયા છે. અમે સામાન્ય નાગરિકોના માર્યા જવાની વિરુદ્ધ છીએ અને અમે આ સંકટનો શાતિપૂર્ણ ઉકેલ ઇચ્છીએ છીએ. એ સાથે તેમણે ઇઝરાયેલની સાથે વાટાઘાટ માટે ભારતનો સહયોગ પણ માગ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલની સાથે વાટાઘાટમાં અમારા રાષ્ટ્રપતિ કેટલાય યુરોપીય દેશોની સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય ઉત્તરદાયી છે.