વોશિંગ્ટનઃ ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે સમય વધારવાનો ઉલ્લેખ કરતાં અમેરિકાના ટોચના હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ કહ્યું હતું કે રસીના બે ડોઝની વચ્ચે સમયગાળો વધારવો ઉચિત છે. ભારતે રસીની અછતને કારણે બે ડોઝની વચ્ચે સમયગાળો વધારવામાં આવ્યો છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બે ડોઝ વચ્ચે અંતર વધારવું ઉચિત છે.
જ્યારે તમારી પાસે રસીનો પૂરતો સ્ટોક નથી, ત્યારે વધુમાં વધુ લોકોને પહેલો ડોઝ મળી રહે, જેથી પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે સમયગાળો વાજબી છે. બે ડોઝ વચ્ચે મોટા અંતરાલથી રસીની અસરકારકતા પર નકારાત્મક અસર પડે એવી સંભાવના નથી, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે ગઈ કાલે કોવિડ-19 વર્કિંગ ગ્રુપની કોવિશિલ્ડના બે ગ્રુપ વચ્ચેના અંતરને 6-8 સપ્તાહથી વધારીને 12.16 સપ્તાહ કરવાની ભલામણને સ્વીકારી છે. જ્યારે તમે ભારતની જેમ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાવ તો તમારે જેટલા વધુ લોકોને રસી આપી શકો એ માટે વિચારવું જોઈએ અને વચલો રસ્તો કાઢવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ભારત વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે અને એણે તેનાં સંસાધનોનો ઉપયોગ ભારતીયો માટે કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
યુએસના મેડિકલ સલાહકારે ઉમેર્યું હતું કે ભારતે અન્ય દેશો અને કંપનીઓની સાથે રસીના ઉત્પાદનની ક્ષમતા વધારવાની ગોઠવણ કરવી જોઈએ. આ અગાઉ તેમણે કોરોના કેસોમાં વધારો થતાં ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની અને રસીકરણ મોટા પાયે હાથ ધરવાની ભલામણ કરી હતી.