વિપક્ષ બહુમત મેળવવામાં નિષ્ફળઃ ઓલી ફરી નેપાળ-PM

કાઠમંડુઃ કેપી શર્મા ઓલી ફરી એક વાર નેપાળના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી સેન્ટર) તમામ પ્રયાસો છતાં વિપક્ષનું ગઠબંધન નવી સરકાર બનાવવા માટે સંસદમાં જરૂરી બહુમત મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વિરોધ પક્ષોને ગુરુવાર રાત્રે નવ કલાક સુધી નવી સરકાર બનાવવા માટે જરૂરી બહુમત સાથે આવવા કહ્યું હતું, પણ વિરોધ પક્ષો વચ્ચે જૂથબંધીને લીધે આપસી સમજૂતી નહોતી થઈ શકી. આ પહેલાં કેપી શર્મા ઓલી સોમવારે પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત હાંસલ નહોતા કરી શક્યા. વિરોધ પક્ષો એકમત ન હોવાને કારણે ઓલી ફરીથી વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં સોમવારે નેપાળની સંસદમાં પ્રતિનિધિ સભામાં વિસ્વાસ મત માટે થયેલા મતદાનમાં ઓલીના પક્ષમાં માત્ર 93 મતો પડ્યા હતા, જ્યારે વિપક્ષમાં 124 સંસદસભ્યોએ મતદાન કર્યું હતું. ઓલીની પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી યુએમએલના 28 સંસદસભ્યોએ વ્હિપનું ઉલ્લંઘન કરતાં સંસદમાં હાજર નહોતા રહ્યા. આ વિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન કુલ 232 સભ્યોએ મતદાન કર્યું હતું.

નેપાળમાં રાજકીય અસ્થિરતા ગયા વર્ષે 20 ડિસેમ્બરે શરૂ થઈ હતી, જ્યારે રાષ્ટ્રપતિ ભંડારી દ્વારા સત્તારૂઢ નેશનલિસ્ટ પાર્ટીની અંદર જારી સત્તાસંઘર્ષની વચ્ચે વડા પ્રધાન ઓલી દ્વારા સંસદ ભંગ કરવા અને 30 એપ્રિલ તથા 10મે નવી સામાન્ય ચૂંટણી કરાવવાના સૂચન પછી એલાન કર્યું હતું.

જોકે ફેબ્રુઆરીમાં દેશની ટોચની કોર્ટે ઓલીને આંચકો આપતાં ભંગ સંસદને ફરીથી બહાલ કરવાનો આદેશ આપ્યો હતો, જે વચગાળાની ચૂંટણીની તૈયારી કરતા હતા. ચીની સમર્થક ઓલીએ આ પહેલાં 11 ઓક્ટોબર, 2015થી ત્રીજી ઓગસ્ટ 2016 સુધી દેશના વડા પ્રધાન તરીકે કામ કર્યું હતું, જે દરમ્યાન કાઠમંડુના નવી દિલ્હી સાથે સંબંધો તણાવપૂર્ણ થયા હતા.

 

 

 

.