વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખ જૉ બાઈડનની સરકારે સત્તારૂઢ થયાના ગઈકાલે સાતમા દિવસે એક મહત્ત્વની સરકારી ફાઈલ પર માત્ર એક જ શબ્દ ‘Withdrawn’ (પાછો ખેંચી લીધો છે) લખી દેતાં આ દેશમાં છેલ્લા ચાર વર્ષથી સતત ચિંતામાં રહેતા H1B વિઝાધારક-કામદારોના જીવનસાથીઓને મોટી રાહત મળી છે. બાઈડને એમના પુરોગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવને કચરાટોપલીમાં નાખી દીધો છે. ટ્રમ્પના તે પ્લાનને કારણે H1B કામદારો સતત તાણમાં જીવતા હતા કે ક્યાંક એમને અમેરિકામાં કામકાજ કરવા માટે અપાયેલી કાયદેસર સત્તાનો અંત તો લાવી દેવામાં નહીં આવેને.
ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના શાસન વખતે એક નિયમ લાગુ કર્યો હતો જે અનુસાર અમેરિકામાં કામ કરતા H1B વિઝાધારક-કામદારોના જીવનસાથીઓને પણ અમેરિકામાં કામ કરવાની પરવાનગી અપાઈ હતી – જે H4 વર્ક પરમિટ નામે ઓળખાતી હતી, પરંતુ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા બાદ તરત જ H4 વર્ક પરમિટ રદ કરવા પર જોર લગાડવાનું શરૂ કરી દીધું હતું. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ વિભાગ H-1B વિઝાધારકોના તાત્કાલિક પરિવારજનો (જીવનસાથી અને સંતાનો)ને H-4 વિઝા ઈસ્યૂ કરે છે. જેથી એવા પરિવારજનો અમેરિકામાં કાયદેસર રીતે આવી શકે છે અને રહી શકે છે. 2019ના વર્ષના આંકડા અનુસાર અમેરિકામાં H1B વિઝા અરજીઓમાં ભારતીયોનો 74 ટકાનો હિસ્સો હતો જ્યારે ચાઈનીઝ લોકોનો હિસ્સો 11.8 ટકા હતો.