ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાન પર જીવલેણ હુમલો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનની કાર પર કેટલાક અજાણ્યા લોકોએ ગોળીઓ મારી હતી. તેમણે ટ્વીટ કરીને આ હુમલાની માહિતી આપી હતી. તેમણે પાક સરકાર પર નિશાન સાધતાં પૂછ્યું હતું કે શું આ છે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન? તેમણે પાકિસ્તાન કાયરો, ઠગો અને લાલચી દેશ પણ કહ્યો હતો. હું પાકિસ્તાન માટે જીવવા અને મરવા ઇચ્છું છું. હું માતૃભૂમિ માટે ગોળી ખાવા પણ તૈયાર છું.

હું મારા ભત્રીજાનાં લગ્નમાંથી પરત ફરી રહી હતી. રસ્તામાં કેટલાક લોકોએ મારી કાર પર ફાયરિંગ કર્યું હતું અને બે મોટરબાઇક સવાર લોકોએ બંદૂકની અણીએ મારી ગાડી અટકાવવાના પ્રયાસ કર્યા હતા. એ પછી મેં તરત મારી ગાડી બદલી કાઢી હતી.  મારા સુરક્ષા-કર્મચારીઓ અને ડ્રાઇવર કારમાં હતા. તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાનના નવા પાકિસ્તાનમાં ડરપોકો, લૂંટેરાઓ અને લાલચી લોકોના દેશમાં આપનું સ્વાગત છે, એમ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું.

બ્રિટિશ-પાકિસ્તાનની મૂળ પત્રકાર અને ભૂતપૂર્વ ટીવી એન્કર રેહમ ખાનનાં લગ્ન 2014માં ઇમરાન ખાન સાથે થયાં હતાં. બંનેનાં લગ્ન માત્ર 10 મહિના સુધી ટક્યાં હતાં. 48 વર્ષીય રેહમ ભૂતપૂર્વ પતિની મુખ્ય ટીકાકાર માટે ઓળખાઈ રહી છે. વળી, એવું નથી કે રેહમ ખાને ઇમરાન ખાનની પહેલી વાર ટીકા કરી હતી.

આ પહેલાં પણ તે ઇમરાન ખાન સરકારને ઘેરી ચૂકી છે. 2019માં પુલવામા હુમલા પછી રેહમ ખાને કહ્યું હતું કે ઇમરાન ખાનની સરકાર સેનાની કઠપૂતળી છે. ઇમરાન વિચારધારા અને ઉદારવાદી નીતિથી સમજૂતી કરીને સત્તામાં આવ્યા છે.