ભારતમાં બેરોજગારીનો-દર ડિસેમ્બરમાં ગયો 4-મહિનામાં સૌથી ઊંચે

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીએ ભારતમાં અનેક ઉદ્યોગ-ધંધાઓ અને કંપનીઓને મોટા પાયે હાનિ પહોંચાડી છે, જેને કારણે દુનિયાભરમાં ઘણા દેશોમાં બેરોજગારીનો દર પણ વધી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમી (CMIE) દ્વારા પ્રકાશિત કરાયેલા એક અહેવાલ મુજબ, 2021ના ડિસેમ્બરમાં બેરોજગારીનો દર ઘણો ઊંચો હતો. તે 7.9 ટકા હતો અને છેલ્લા ચાર મહિનામાં સૌથી ઊંચો હતો.

દેશમાં બેરોજગારીનો દર 2021ના નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે ઘણો વધી ગયો હતો. શહેરી બેરોજગારી દર નવેમ્બર-2021માં 8.21 ટકા હતો, તે ડિસેમ્બરમાં વધીને 9.3 ટકા થયો હતો. જ્યારે ગ્રામિણ બેરોજગારીનો દર 6.44 ટકાથી વધીને 7.28 ટકા થયો હતો. 2021ના મે મહિનામાં બેરોજગારીનો દર ઓલટાઈમ-હાઈ હતો – 11.84 ટકા. કોરોનાની બીજી લહેરે દેશમાં ઘણા ઉદ્યોગ-ધંધાઓને માઠી અસર પાડી હતી અને એને કારણે બેરોજગારીનો દર વધી ગયો હતો.