-તે ડ્રોન ઈરાનમાંથી છોડવામાં આવ્યું હતું: યૂએસ પેન્ટેગોનનો દાવો

વોશિંગ્ટનઃ 20 ભારતીય ખલાસીઓ સાથેનું એક વ્યાપારી જહાજ ગઈ કાલે સવારે અરબી સમુદ્રમાં ગુજરાતના સમુદ્રકાંઠાની નજીકમાં હતું ત્યારે એની પર કોઈક શંકાસ્પદ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. એને કારણે ધડાકો થયો હતો અને જહાજમાં આગ લાગી હતી. જહાજ પર વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટના પોરબંદરના સમુદ્રકાંઠા નજીક બની હતી. અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યાલય ‘પેન્ટેગોન’ તરફથી એક નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તે કેમિકલ ટેન્કર જહાજ પર એક-તરફી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો અને તે ડ્રોન ઈરાનમાંથી છોડવામાં આવ્યું હતું.

(તસવીર સૌજન્યઃ @IndiaCoastGuard)

‘એમ.વી. કેમ પ્લૂટો’ નામનું તે જહાજ એક જાપાનીઝ કંપનીની માલિકીનું હતું અને તેની પર લાઈબેરિયાનો ધ્વજ હતો. જહાજનું સંચાલન નેધરલેન્ડ્સમાંથી કરવામાં આવ્યું હતું. તે જહાજ સાઉદી અરેબિયામાંથી રવાના થયું હતું અને ભારતના ન્યૂ મેંગલોર તરફ જઈ રહ્યું હતું. તેમાં 20 ભારતીય ખલાસીઓ અને એક વિયેટનામીઝ ખલાસી, એમ કુલ 21 જણ હતા. સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ જહાજ પર ડ્રોન હુમલો કરાયો હતો. સદ્દભાગ્યે તેમાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી.

જહાજ પર હુમલો થયાની ભારતીય કોસ્ટગાર્ડને જાણ થતાં તેના જવાનો જહાજ સાથે ‘કેમ પ્લૂટો’ના ખલાસીઓની મદદે પહોંચી ગયા હતા.