ઇઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુના ઘર પર ડ્રોનથી હુમલો

તેલ અવિવઃ હમાસ ચીફ યાહ્યા સિનવારના મોતના 72 કલાક પછી ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી ઇઝારાયેલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં નેતાન્યાહુ બચી ગયા હતા.

ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુના ઘર પાસે લેબનીઝ ડ્રોન પડી ગયું છે. આ હુમલો હિજબુલ્લા દ્વારા કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ ખુદ ઈઝરાયેલી સેનાએ કરી છે. મોટી વાત એ છે કે ઈઝરાયેલની એર ડિફેન્સમાં હિજબુલ્લાના લડવૈયાઓ ઘૂસી ગયા હતા, જેને કારણે ડ્રોન આટલું નજીક આવ્યું અને પડી ગયું. જોકે આ હુમલા સમયે નેતાન્યાહુ તેમના નિવાસસ્થાને હાજર ન હતા.

અલજઝીરાએ અહેવાલમાં કહ્યું હતું કે લેબનોને ઉત્તરી ઇઝરાયેલના સીઝેરિયા વિસ્તારમાં બોમ્બમારો કર્યો, તે હુમલામાં PM નેતાન્યાહુના ઘરની નજીક એક ડ્રોન પડ્યું. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બે ડ્રોનને પણ અટકાવીને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલના બોમ્બધડાકા પછી સિઝેરિયા વિસ્તારમાં તેનાં યુદ્ધ વિમાનો તૈનાત કરી રહ્યું છે.

થોડા દિવસો પહેલાં પણ એવા અહેવાલ આવ્યા હતા કે નેતાન્યાહુને નિશાન બનાવવા માટે રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછી ઈઝરાયેલની સેના કે ત્યાંના મિડિયાએ તે હુમલાની પુષ્ટિ કરી ન હતી, માત્ર હિજબુલ્લા દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા હતા,પરંતુ આ વખતે ઈઝરાયેલે સામેથી હુમલો સ્વીકારી લીધો છે. આ હુમલો પણ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડર સિનવારને મારી નાખ્યો છે.