નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઈને ખાસ્સા ઉત્સાહિત છે અને તેમણે ફેસબુક પર પોતાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મોટા સન્માનની વાત છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટે પોતાના પ્લેટફોર્મ પર લોકપ્રિયતાને મામલે મને પહેલા ક્રમાંકે અને બીજા ક્રમાંકે નરેન્દ્ર મોદી પર રાખ્યા છે. જોકે વાસ્તવિકતા કંંઈક જુદી છે. ફેસબુક પર તપાસતાં ટ્રમ્પના દાવાની સચ્ચાઈ સામે આવી હતી.
ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોટું અંતર
ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોદી અને ટ્રમ્પમાં મોટું અંતર છે. ફેસબુક પર વડા પ્રધાન મોદીના 4.4 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે ટ્રમ્પના 2.75 કરોડ ફોલોઅર્સ છે. લાઇક્સને મામલે પણ મોટું અંતર છે. મોદીના 4.45 કરોડ અને ટ્રમ્પની પાસે 2.6 કરોડ લાઇક્સ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે.
ભારત પ્રવાસ અંગે ખાસ્સા ઉત્સાહિત
ટ્રમ્પે જે દાવો કર્યો છે એ ફેસબુકના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગના હવાલેથી કર્યો છે. તેમણે શનિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને લાગે છે કે આ ઘણા સન્માનની વાત છે. માર્ક ઝુકરબર્ગે મને હાલમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ જે. ટ્રમ્પ નંબરહ વન છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. તેમણે કહ્યું હતું કે હું બે સપ્તાહમાં ભારત પ્રવાસે જવાનો છું અને મને ભારતના પ્રવાસે જવાનો ખાસ્સો ઉત્સાહ છે.
ટ્રમ્પ પહેલાં પણ દાવો કરી ચૂક્યા છે
ફેસબુક પર લોકપ્રિયતાને મામલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું ફેસબુક માં નંબર વન છું અને તમે જાણો છો કે બીજા નંબરે કોણ છે. ભારતના મોદી. જોકે કલ્પના અને વાસ્તવિકતામાં અંતર હોય જ છે.