એફએટીએફની બેઠક પછી આતંકી હાફિઝ સઈદ છૂટી શકે છે…

લાહૌર- મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક પછી છોડી મૂકવામાં આવે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિઝને સજા આપવાના નિર્ણયમાં જાણી જોઈને ભૂલો રાખવામાં આવી છે જેથી તે ગમે ત્યારે છૂટી શકે છે.

પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના જણાવ્યા પ્રમાણે, સઈદના વકીલનો દાવો છે કે તેમના ક્લાઈન્ટને માત્રને માત્ર FATFના દબાણના કારણે સજા સંભળાવવામાં આવી છે. તે આતંકરોધી કોર્ટ(ATC)નિર્ણયને લાહોર હાઈકોર્ટમાં પડકારશે. હાફિઝ અને તેમના સહયોગીને લાહોરના ATCએ ટેરર ફંડિંગના બે કેસમાં 12 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

16 ફેબ્રુઆરીથી પેરિસમાં એફએટીએફની બેઠક

આ બેઠકમાં પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લગાવવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં FATFએ આતંકી પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેવા અંગે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું. આ સાથે જ ભારતે દાવો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદે આતંકીઓની ટ્રેનિંગ માટે બાલાકોટમાં બિલ્ડિંગ બનાવી છે.