રોસેઉઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકાની રોસેઉમાં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ્યની જેલમાં મોકલી દીધો છે. મેહુલ ચોકસી આજે પહેલી રાત જેલમા વિતાવશે, ચોકસી હવે ચીન-ડોમિનિકા મૈત્રી હોસ્પિટલમાં નહીં રહે. બીજી બાજુ ચોકસીના વકીલે તેને આરોગ્યને આધારે જેલમાં જતા રોકવાની અપીલ કરી હતી. મેહુલ ચોકસી છેલ્લા કેટલાક સમયથી ડોમિનિકાની હોસ્પિટલમાં દાખલ હતો. ભારત સરકાર તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. સીબીઆઇએ ચોકસીને ભારતથી બહાર રહેવા દરમ્યાન તપાસમાં સામેલ હોવાને નિરર્થક ગણાવી હતી.
સીબીઆઇએ ડોમિનિકા હાઇકોર્ટમાં એક સોગંધનામા દ્વારા જણાવ્યું હતું કે ચોકસીને તેની પસંદગીની જગ્યાએ તપાસ કરવાનો સવાલ નથી ઊભો થતો. વિદેશ મંત્રાલયે એક સોગંધનામા દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે ચોકસી હજી પણ એક ભારતીય નાગરિક છે.
નાગરિકતા સરન્ડર કરવાની વિનંતીને સરકારે ફગાવી દીધી હતી. એના ઘોષણાપત્રમાં કેટલીક ખામીઓ હતી, જેને કારણે એ વિનંદી ફગાવવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામાં કહેવામાં આવ્યું હતું કે ચોકસી ભારતીય નાગરિક છે અને તેને તત્કાળ ભારત મોકલવામાં આવે.
હરપ્રીત જ્ઞાની (ભારત સરકાર દ્વારા ડોમિનિકન પ્રોસિક્યુટર્સને મદદ કરનાર વકીલ)એ કહ્યું હતું કે મને ડોમિનિકન કાનૂની પ્રણાલી પર અતૂટ વિશ્વાસ છે. વિશ્વાસ છે કે ન્યાયની જીત થશે અને કોર્ટ એ જ કરશે, જે કાનૂની રૂપે યોગ્ય છે. મને કેસની સ્થિતિ પર પૂરો વિશ્વાસ છે. એટલે હું અહીં છું.