ગ્લોબલ અપ્રુવલ રેટિંગઃ મોદીએ દિગ્ગજોને પાછળ પાડ્યા

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે મોટા પડકારો ઊભા કર્યા હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ દુનિયાભરના સૌથી નામાંકિત નેતાઓમાંના એક બની રહ્યા છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસારના ગ્લોબલ અપ્રુવલ રેટિંગ્સમાં મોદીને 66 ટકા રેટિંગ્સ મળ્યા છે. મતલબ કે ભારતના 66 ટકા લોકોએ મોદીની કામગીરીની તરફેણ કરી છે. માત્ર 28 ટકા લોકોએ જ એમની કામગીરી સામે નારાજગી દર્શાવી છે.

આ રેટિંગ્સમાં મોદીએ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જેવા અગ્રગણ્ય નેતાઓને પણ પાછળ પાડી દીધા છે. યાદીમાં મોદી પછીના બીજા સ્થાને ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાગી છે – 65 ટકા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનને 54 ટકા, મર્કેલ અને બાઈડન બંનેને 53 ટકા, ટ્રુડોને 48 ટકા, બોરીસ જોન્સનને 44 ટકા મળ્યા છે.