ન્યૂયોર્કઃ રાજકીય પાર્ટીઓના મતભેદોને ભૂલીને બહુમતી અમેરિકાવાસીઓએ સાઈબર હુમલાઓના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક સર્વેક્ષણ અનુસાર, બે-તૃતિયાંશ અમેરિકનો અમેરિકાની કમ્પ્યુટર સિસ્ટમ્સ પર થતા સાઈબર હુમલાઓની સમસ્યા વિશે અત્યંત ચિંતિત છે.
પીયર્સન ઈન્સ્ટિટ્યૂટ અને એસોસિએટેડ પ્રેસ-NORC સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે પરથી એવું માલૂમ પડ્યું છે કે દરેક 10માંથી 9 અમેરિકન એમની અંગત માહિતી, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓની કમ્પ્યુટર પદ્ધતિઓ હેક થવા અંગે સતત ચિંતામાં રહે છે. મોટા ભાગના અમેરિકનોનું માનવું છે કે ચીન અને રશિયાની સરકારો અમેરિકાની સાઈબર સુરક્ષા માટે મોટા ખતરા સમાન છે. પ્રમુખ જૉ બાઈડને એમના વહીવટીતંત્રમાં સાઈબર સિક્યુરિટીને મુખ્ય મુદ્દો બનાવ્યો છે અને કેન્દ્રીય સંસદસભ્યો પાર્ટીના મતભેદોને ભૂલીને દેશના જાહેર તથા ખાનગી સાઈબર સુરક્ષા તંત્રોને વધારે મજબૂત બનાવવા કાયદો ઘડવા વિચારે છે.
