વોશિંગ્ટનઃ અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અમેરિકામાં ફાટી નીકળેલી વિરોધની આગ સતત ફેલાઈ રહી છે. આને ધ્યાને રાખતા સરકારે વોશિંગ્ટન ડીસી સહિતના ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને 15 રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં આશરે 5000 જેટલા ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 2000 ગાર્ડને સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે કે જેથી જરુર પડવા પર તેમને તરત જ સ્થિતિ સંભાળવા માટે બોલાવી શકાય. વ્હાઇટ હાઉસની પાસે પ્રદર્શન કરી રહેલી ભીડે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી અને પોલીસ સાથે ધક્કામુક્કી પણ કરી. સ્થિતિ એટલી વણસી ગઇ કે સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં બનાવેલા સુરક્ષાત્મક બંકરમાં લઇ ગયા. જો કે સ્થળ પર પહોંચેલ વોશિંગ્ટન પોલીસે વ્હાઇટ હાઉસની આસપાસથી ઉપદ્રવીઓને ખદેડી દીધા હતા.
રવિવારના રોજ વ્હાઇટ હાઉસની પાસે સ્થિતિ બગડતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસ પર પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવા માટે સિક્રેટ સર્વિસ એજન્ટસે રોયટ ગિયર (દંગારોધી પોશાક) પહેરવો પડ્યો હતો. આપને જણાવી દઇએ કે અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડના મોતનો વીડિયો વાયરલ થયા બાદથી જ અમેરિકાના કેટલાંય શહેરોમાં શુક્રવારના રોજ હિંસક પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. તેમાંથી કેટલાંક પ્રદર્શનોએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું અને પોલીસની સાથે પ્રદર્શનકારીઓને ઝપાઝપી થઇ.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ-અલગ શહેરોમાં ફાટી નીકળેલી હિંસા માટે ડાબેરી પંથી લોકોને જવાબદાર ગણાવ્યા છે. તોફાનો નિર્દોષ લોકોને ડરાવી રહ્યા છે, નોકરીઓને નષ્ટ કરી રહ્યા છે, બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યા છે અને બિલ્ડિંગ્સને સળગાવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે જ્યોર્જ ફ્લોયડની યાદને તોફાનીઓ, લૂંટારૂઓ અને અરાજકતાવાદીઓએ બદનામ કર્યા છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું કે નેશનલ ગાર્ડને મિનિયાપોલિસમાં સ્થિતિને કાબૂમાં કરવા માટે ઉતારી દીધા છે જે ડેમોક્રેટિક પાર્ટીના મેયર કરી શકયા નહીં. આનો બે દિવસ પહેલાં જ ઉપયોગ થવો જોઇતો હતો. હવે બીજું કોઇ નુકસાન થશે નહીં.
ટ્રમ્પે આરોપ મૂકયો કે જ્યોર્જ માટે શરૂ થયેલા આંદોલનને હાઇજેક કરી લીધું છે અને હવે તેમને આવા લોકોને આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા Antifaને આતંકવાદી સંગઠન ગણાવશે. ટ્રમ્પે હિંસાની પાછળ વામપંથી સંગઠનને જવાબદાર ગણાવ્યા છે, જેને સામાન્ય રીતે Antifia કહેવાય છે.