કોરોના વેક્સીન બનાવનાર ટીમમાં ભારતીય મૂળની ચંદ્રબલી દત્તા સામેલ

લંડનઃ આખા વિશ્વમાં કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે અને અત્યાર સુધી વાઈરસે લાખો લોકોને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે. આ વાઈરસની સામે લડવા માટે હજુ સુધી કોઈ દવા કે રસી ઉપલબ્ધ થઈ શકી નથી. જોકે આ મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં પોત-પોતાના સ્તરેથી પ્રયાસ થઈ રહ્યા છે. વિશ્વના અનેક દેશ દિવસરાત એક કરીને આ મહામારીનો ઉકેલ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

કોરોનાની રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ ટીમની સ્થાપના કરવામાં આવી છે. આ ટીમમાં ભારતીય મૂળની એક મહિલા ચંદ્રબલી દત્તાને પણ સ્થાન મળ્યું છે. લંડનમાં આવલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં દુનિયાભરના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિક કોરોના સામે લડવા માટે રસી તૈયાર કરવામાં લાગ્યા છે. ચંદ્રબલી દત્તા એ જ ટીમનો ભાગ છે. અહીં તે કવોલિટી એન્શ્યોરન્સ મેનેજર તરીકે કામ કરી રહી છે. હજુ સુધી આ ટ્રાયલ બીજા અને ત્રીજા ચરણમાં છે. આ વેક્સીનને ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ રસી કોરોના વાઈરસથી બચાવમાં અસરકારક સાબિત થશે.

ચંદ્રબલી દત્તા જણાવ્યું કે, સામાન્ય રીતે રસીને પૂરી રીતે ઉપયોગી બનતા 2-3 વર્ષનો સમય લાગે છે. પરંતુ આ ખતરનાક બીમારીને જોતા અમે ખૂબ જ ઝડપથી આ રસી બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. આપણે બધા આશા કરી રહ્યા છે કે, આ આગળના તબક્કામાં કામ કરશે, આખુ વિશ્વ આ રસી તરફ જોઈ રહ્યુ છે.

ચંદ્રબલી દત્તાનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે અહીંથી જ એન્જિનિયરિંગ અને બોયટેક્નોલોજીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. બાળપણથી જ તેમને ગણિત અને જીવવિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. ત્યાં સુધી કે તેમણે કોમ્પ્યુટર સાયન્સનો પણ અભ્યાસ કર્યો છે. એટલુ જ નહીં તેમણે એસેન્ચરમાં એસોસિએટ સોફ્ટવેર એન્જિનિયરના પદ પર જોબ પણ કરી છે.