વોશિંગ્ટનઃ ડ્રગ ઉત્પાદક જોન્સન એન્ડ જોન્સનના માત્ર એક ડોઝવાળી કોરોના વાઇરસની સામેની દવા અસરકારક સાબિત થઈ છે, એમ યુએસ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને (FDAએ) માહિતી આપી હતી. કંપનીની આ દવાને મંજૂરી આપવામાં આવે શક્યતા છે. FDAએ જાહેર કરેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીની આ રસી મધ્યમ ગંભીર સ્તરના સંક્રમણને અટકાવવામાં આશરે 66 ટકા અસર કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે વધુ ગંભીર બીમારી સામે 85 ટકા અસરકારક છે.
અમેરિકામાં મોડર્ના અને ફાઇઝરની રસી પછી જોન્સનની રસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવશે તો એ અમેરિકાની ત્રીજી રસી બનશે. શુક્રવારે FDAની બેઠક પછી એની મંજૂરી અંગેનો નિર્ણય આવનારા કેટલાક દિવસોમાં લેવામાં આવશે. કંપનીએ ચોથી ફેબ્રુઆરીએ ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી હતી.
જોન્સન એન્ડ જોન્સનની કોરોના સામેની રસીને Ad26.COV2.S તરીકે ઓળખાય છે. આ વિશે માહિતી આપતાં FDAએ કહ્યું હતું કે આ રસીના બેને બદલે એક જ ડોઝ લેવાની જરૂર રહેશે. આ રસી બધા ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને અને 14 દિવસ પછી કોરોનાના સંક્રમિત કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય લેબોરેટરીએ બનાવી છે અને ગંભીર અને જટિલ કોરોનાના કેસો સામે રસીની અસરકારકતા 66.9 ટકા હતી.
આ રસીના એક ડોઝની અસરકારકતા અમેરિકામાં 72 ટકા, લેટિન અમેરિકામાં 66 ટકા અને દક્ષિણ આફ્રિકામાં 57 ટકા જેટલી છે. જોકે વધુ ગંભીર રોગમાં રસીની અસરકારકતા 85 ટકા જોવા મળી છે. કંપનીએ એના એક ડોઝનું પરીક્ષણ અમેરિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના 44,00 વયસ્ક લોકોમાં કર્યું છે. અન્ય રસીઓની આડઅસરોમાં તાવ, થાક અને માથાના દુખાવા જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. જોકે આ રસીની કોઈ ગંભીર આડઅસર જોવા નથી મળી, એમ FDAએ જણાવ્યું હતું.