કોરોનાનાં વળતાં પાણીઃ ઝીરો કોરોના સંક્રમણ આ દેશોમાં…

જિનિવાઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પણ હવે કોરોનાનાં વળતાં પાણી થયાં હોવા એમ લાગી રહ્યું છે. આ રોગચાળા સામે વિશ્વમાં 50 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે રાહતના સમાચાર એ છે કે વિશ્વના તમામ દેશોમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. કેટલાય દેશો એવા છે, જ્યાં સંક્રમણનો દર ઘણો ઓછો થઈ રહ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસ હાલ કાબૂમાં છે. છેલ્લા 259 દિવસોમાં દેશમાં સૌથી ઓછા કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં આશરે 11,000 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. વળી સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 1.50 લાખની આસપાસ છે.

વિશ્વ આરોગ્ય સંગઠને (WHOએ) એ દેશોની લિસ્ટ જારી કરી છે, જ્યાં સંક્રમણનો દર ઝીરો થઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં આ દેશોમાં એક પણ કોરોના સંક્રમિત કેસની પુષ્ટિ નથી થઈ.

આ દેશોની યાદી નીચે મુજબ છેઃ

  • કેનેડા
  • આર્જેન્ટિના
  • સ્પેન
  • બંગલાદેશ
  • બેલ્જિયમ
  • કોસ્ટા રિકા
  • શ્રીલંકા
  • ઇક્વાડોર
  • મ્યાનમાર
  • હોન્ડુરાસ
  • ઘાના
  • કેમરુન
  • માલદીવ
  • લક્ઝમબર્ગ

WHOના આંકડા અનુસાર સ્વિટઝર્લેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર ત્રણ નવા કેસો નોંધાયા છે. જ્યારે મોઝામ્બિકા, કોસોવા, સેનેગલ, મલાવી, ઇસ્વાતિની, બુરુંડી અને માડાગાસ્કરમાં 10 અથવા એનાથી પણ ઓછા કોરોનાના કેસો નોંધવામાં આવ્યા છે.