નરેન્દ્ર મોદી, અમિત શાહના ફોટાવાળા ફટાકડાનું અમદાવાદની બજારોમાં ધૂમ વેચાણ

અમદાવાદ: શહેરની ફટાકડા બજારમાં એવા બોક્સવાળા ફટાકડા ધૂમ વેચાઈ રહ્યા છે જેની પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોટા હોય છે.

કોઇપણ તહેવાર કે ઉત્સવમાં વેપારીઓ સેલિબ્રિટી વ્યક્તિઓના ફોટા કે નામનો ઉપયોગ કરીને એમની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ કરી નફો રળી લેતા હોય છે. આમ તો રંગોત્સવ (હોળી-ધૂળેટી), પતંગ (મકરસંક્રાંતિ) કે ફટાકડા (દિવાળી)માં ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોના ફોટા કે નામ ધરાવતા ખોખા કે બ્રાન્ડ બનાવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. પરંતુ લોકલાડીલા નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને ફોટાનો પણ હવે દરેક ઉત્સવ અને તહેવારમાં ઉપયોગ થાય છે. મોદીની સાથે અમિત શાહની લોકપ્રિયતા પણ વધતી જાય છે. આ વર્ષે અહીંની ફટાકડા બજારમાં મોદી અને શાહના ફોટાવાળા ખોખાના મીરચી બોંબનું વેચાણ મોટા પાયે થતું જોવા મળ્યું છે.

મીરચી બોંબના ખોખાઓ પર કંપનીનું નામ નથી મળતું. અજાણ્યા ઉત્પાદકોએ ઐશ્વર્યા ફાયર વર્ક્સના નામે ખોખા બનાવી તેની પર મોદી-શાહ 440 વોલ્ટ ડાયનેમિક, જમ્બો સ્પેશિયલ ડિલક્સ મીરચી બોંબનું વેચાણ શરૂ કર્યું છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ફટાકડાના મંડપો, દુકાનોમાં મોદી અને શાહના ફોટોવાળા ફટાકડા મળી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]