રસીના બંને-ડોઝ લેનારા ડેલ્ટાથી-નિશ્ચિંત ન રહેઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી દુનિયાનાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોરોનાવાઈરસ બીમારીના ફેલાવા સામે સતર્ક રહેવાનું હજી ચાલુ જ રાખે, ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાથી. ડેલ્ટા વેરિઅન્ટ સૌથી પહેલાં ભારતમાં જોવા મળ્યો હતો અને ત્યારપછી એ ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાયો છે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ગેબ્રીસસે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે ગરીબ દેશોમાં કોરોના-પ્રતિરોધક રસીના અભાવને કારણે ડેલ્ટા વેરિઅન્ટનું ટ્રાન્સમિશન વધી રહ્યું છે.

દુનિયામાં હજી ઘણા લોકોને રસી આપવાનું બાકી છે. કોરોના-રસીના બંને ડોઝ લઈ લીધા હોય એવા લોકો પણ એમને કોરોના નહીં થાય એવા ખ્યાલમાં ન રહે. એવા લોકોએ પણ બેદરકાર રહેવાનું નથી, કારણ કે ડેલ્ટા ચેપનો ખતરો હજી યથાવત્ છે. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોનો સમૂહ પણ ચેપને રોકી શકતો નથી.