ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ધર્મને નામે અલ્પસંખ્યકોની વિરુદ્ધ અત્યાચાર કરવો એ કોઈ નવી વાત નથી. અહીં વારંવાર ઇશનિંદાને નામે કે અન્ય બહાને અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવે છે. પંજાબ પ્રાંતના ફૈઝલાબાદના જરાનવાલા વિસ્તારમાં ઇશનિંદાના આરોપોને લઈને કેટલાય ગિરજાઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવ બન્યા હતા. ખ્રિસ્તીઓ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યા પછી પૂર્વ પાકિસ્તાનમાં સેંકડો મુસ્લિમોએ પાંચ ચર્ચોમાં આગ લગાડી દીધી હતી અને ચર્ચની આસપાસ રહેતા ખ્રિસ્તીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. તેમની સાથે મારપીટ કરી હતી. લોકોએ આરોપ મૂક્યો હતો ખ્રિસ્તી સમાજના લોકોએ કુરાનનું અપમાન કર્યું છે. આ ઘટના સામે અમેરિકાએ ગુસ્સો વ્યક્ત કરતાં ચિંતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનમાં કુરાનની ટીકા કરવાને નામે પાંચ ચર્ચો તોડવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી વ્યથિત અમેરિકાએ હુમલાની તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. ચર્ચની આસપાસ રહેતા લોકોનાં ઘરોને સળગાવી દેવામાં આવ્યાં હતાં અને મારપીટ કરવામાં આવી હતી તેમ જ લૂંટફાટ પણ કરવામાં આવી હતી. આ ઘટના દરમ્યાન પોલીસ પણ હાજર હતી, જે તમાશો જોઈ રહી હતી. જોકે એ પછી ખ્રિસ્તી સમાજની સુરક્ષા માટે પાકિસ્તાની રેન્જર્સને બોલાવવામાં આવ્યા હતા.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે એ વાતથી બહુ ચિંતિત છીએ કે પાકિસ્તાનમાં કુરાનના અપમાનના જવાબમાં ચર્ચો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે અમેરિકા સ્વતંત્ર અભિવ્યક્તિને ટેકો આપે છે, પણ હિંસા કે હિંસાની ધમકીને ક્યારેય પણ અભિવ્યક્તિ તરીકે સ્વીકાર્ય નથી.