બીજિંગઃ ચીનની યુનિવર્સિટીઓ આ વર્ષે ટ્યુશન ફીમાં ભારે વધારો કર્યો છે. જોકે કેટલીય યુનિવર્સિટીઓએ છેલ્લા બે દાયકામાં સૌપ્રથમ વાર વધારો કર્યો છે. કોવિડ રોગચાળાની નીતિઓ, પ્રોપર્ટી ક્રાઇસિસ અને અર્થતંત્રની ખસ્તા હાલત અને સ્થાનિક સરકારોને નાણાકીય તંગ સ્થિતિ છતાં ફીમાં વધારો કર્યો છે. ચીનની યુનિવર્સિટીઓ મોટા ભાગે જાહેર અને સરકારી ભંડોળ પર વધુપડતી નિર્ભર હોય છે.
શાંઘાઈ સ્થિત ઇસ્ટ ચાઇના યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ વાર્ષિક ધોરણે સાયન્સ, એન્જિનિયરિંગ અને ફિઝિકલ એજ્યુકેશનની ટ્યુશન ફીમાં 54 ટકા વધારી 7700 યુઆન (1082 ડોલર) કરી છે, જ્યારે લિબરલ આર્ટ્સમાં 30 ટકા ફીવધારો કર્યો છે.
શાંઘાઇ ડિયાન્જી યુનિવર્સિટીએ સાયન્સ અને એન્જિનિયરિંગની ટ્યુશન ફી 40 ટકા વધારી છે, જ્યારે મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ ને લિટરેચરના વિદ્યાર્થીઓ માટે ફીવધારો 30 ટકા કર્યો છે. સ્થાનિક સરકારોનાં નિવેદનો અનુસાર ચીનની ગીચ વસતિ ધરાવતા દક્ષિણ-પશ્ચિમી સિચુઆન અને પૂર્વોત્તર જિલિન પ્રાંતોમાં જુદી-જુદી કંપનીઓ માટે ટ્યુશન ફી વધારી દીધી છે. સિચુઆનમાં મહત્તમ 41 ટકાનો ફીવધારો કરવામાં આવ્યો છે.
એપ્રિલમાં શાંઘાઈના નાણાકીય હબે નવા શૈક્ષણિક વર્ષથી 20 વર્ષો બાદ ટ્યુશન ફી વધારવાનો નિર્ણય કર્યો હતો. મંત્રાલયના બજેટ રિપોર્ટ મુજબ વર્ષ 2023માં સરકારે અપેક્ષિત બજેટ ખર્ચમાં ગયા વર્ષની તુલનાએ 3.7 ટકાનો ઘટાડો કરીને 107 અબજ યુઆન કર્યું હતું. બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર લિયુ જિનના નેતૃત્વમાં એક નિષ્ણાતોની ટીમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ટ્યુશનમાં નોંધપાત્ર વધારો કરવાની માગ કરી હતી. આ ટીમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફી આશરે 20,000 યુઆનથી વધારીને 1,10,000 યુઆન પ્રતિ વર્ષ કરવાનું સૂચન કર્યું હતું.