બીજિંગઃ ચીને પહેલી વાર કબૂલ્યું છે કે ગયા વર્ષે જૂનમાં પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાની સાથે થયેલી ઝપાઝપીમાં તેમના પાંચ અધિકારી માર્યા ગયા હતા. ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે અહેવાલમાં કહ્યું હતું કે ચીને પહેલી વાર તેના સાર્વભૌમત્વના રક્ષણ માટે જીવ આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં તેમનાં નામ અને તેમના વિશે માહિતી આપી હતી.
ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશને કારાકોરમ પહાડોમાં ચીનના પાંચ અધિકારીઓ અને સૈનિકોની ઓળખ કરી છે અને તેમને પદવીઓથી સન્માનિત કર્યા છે. ચીની સેનાએ ગલવાનના સંઘર્ષની વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે ભારતીય સેનાએ ત્યાં મોટી સંખ્યામાં સૈનિકોને મોકલ્યા હતા, જે છુપાયેલા હતા અને ચીની સેનાને પાછળ હઠવા મજબૂર કરી રહ્યા હતા. એપ્રિલ, 2020 પછી વિદેશી સેનાએ પાછલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું અને રસ્તા અને પૂલ બનાવવા માટે સરહદ પાર કરવા લાગ્યા અને રસહદે યથાસ્થિતિ બદલીનો જાણીબૂજીને ઉશ્કેરણી કરી હતી.
પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં પાછલા વર્ષે 15 જૂને ભારત-ચીન વચ્ચેની ઝપાઝપીને છેલ્લા ચાર દાયકાઓમાં સૌથી ગંભીર ઝપાઝપી જણાવી હતી. જોકે એ સમયે ભારતના 20 સૈનિકોનાં મોત થયાં હતાં. ભારતે તો માર્યા ગયેલા સૈનિકોની જાહેરાત એ સમયે કરી હતી, પણ ચીને અત્યાર સુધી તેના સૈનિકો કે નુકસાનની કોઈ માહિતી નહોતી આપી. જોકે ભારતે કહ્યું હતું કે ચીનની સેનાને પણ સારુંએવું નુકસાન થયું છે. રશિયન ન્યૂઝએજન્સીએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે ચીનના 45 સૈનિકો માર્યા ગચા હતા.
(ફોટો સૌજન્યઃ ANI)