બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને વર્ચ્યુઅલ સમીટમાં કહ્યું હતું કે બંને દેશોએ એકબીજાને આદર અને માનસન્માન આપવું જોઈએ અને શાંતિથી સહઅસ્તિત્વથી રહેવું જોઈએ. બંને દેશોએ સૌહાર્દથી આગળ વધવું જોઈએ. આ સમીટમાં તેમણે ચીન-અમેરિકા વચ્ચેના સંબંધને વધુ મજબૂત અને વિકસિત કરવા માટે આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. ફેબ્રુઆરી પછી શી અને બાઇડનની વચ્ચે આ ત્રીજી બેઠક છે. આ સમીટ મંગળવારે શરૂ થઈ હતી.
આ સમીટ પહેલાં બંને નેતાઓએ સપ્ટેમ્બરમાં ફોનથી વાતચીત કરી હતી. વેપાર, માનવ અધિકાર, દક્ષિણ ચીન સાગર અને તાઇવાનમાં બીજિંગે લીધેલાં પગલાંથી ચીન અને અમરિકા વચ્ચે હાલ પ્રવર્તતા ટેન્શન વચ્ચે આ ઉચ્ચ સ્તરીય સમીટ યોજાઈ છે.શીએ કહ્યું હતું કે બંને દેશો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે અને બંને દેશોએ આપસી સંદેશવ્યવહાર અને સહકાર વધારવાની જરૂર છે. તેમણે બાઇડન સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સામે પક્ષે બાઇડેને કહ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચે જે હરીફાઈ ચાલી રહી છે, એ ઘર્ષણમાં ન પરિવર્તિત થાય એની જવાબદારી આપણી છે, એને બદલે સીધી પ્રતિસ્પર્ધા રહે એ જરૂરી છે.
આ સમીટમાં તાઇવાન, હોંગકોંગ, શિનજિયાંગ અને તિબેટ ઉપરાંત AUKUS –ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી અને ક્વાડ દેશો- ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વિશે વિચારવિમર્શ થવાની શક્યતા છે. ચીનનું કહેવું છે કે આ બધાં ગઠબંધન ચીનને આગળ વધતું અટકાવવા માટે થઈ રહ્યાં છે.
