ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પૂરા કદની એક પ્રતિમાને ખંડિત કરાયાની ઘટના બની છે. એસબીએસ ન્યૂઝના અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને ગયા શુક્રવારે મેલબર્નના રોવવિલ ઉપનગરમાં ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન કમ્યુનિટી સેન્ટર ખાતે ગાંધીજીની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે ભારતના કોન્સલ જનરલ રાજકુમાર તથા ઓસ્ટ્રેલિયાના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના પ્રસંગે ભારત સરકારે ગાંધીજીની આ પ્રતિમા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપી હતી.

વિક્ટોરિયા રાજ્યની પોલીસે આ વિશે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ વિભાગના ડીટેક્ટીવો આ કેસમાં તપાસ કરી રહ્યા છે. પોલીસે પ્રતિમાને ખંડિત કરવાની ઘટના જોનાર સાક્ષીઓને અપીલ કરી છે કે તેઓ એ વિશેની જાણકારી પોલીસને આપે. વડા પ્રધાન મોરીસને પ્રતિમાને ખંડિત કરવાના અપકૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. એક નિવેદનમાં એમણે કહ્યું કે આ પ્રકારનો અનાદર જોવો તે અત્યંત શરમજનક અને નિરાશાજનક છે. આ કૃત્ય માટે જે કોઈ જવાબદાર હોય એણે ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયનો ભારે અનાદર કર્યો છે અને એમને આ માટે શરમ આવવી જોઈએ.

ઓસ્ટ્રેલિયન ઈન્ડિયા કમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ વાસન શ્રીનિવાસન અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ ઓફ વિક્ટોરિયાના પ્રમુખ સૂર્યપ્રકાશ સોનીએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. વિક્ટોરિયા રાજ્યમાં આશરે 3 લાખ જેટલા ભારતીયો વસે છે.