બીજિંગઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના સરળતાપૂર્વકની બની રહે એ માટે ચીન અને ઈરાન સહમત થયા છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર સરળતાથી સત્તાનાં સૂત્રો સંભાળી શકે એટલા માટે ચીન અને ઈરાને એકબીજાના સંપર્કમાં રહેવું જોઈએ.
ચીની વિદેશ પ્રધાને એમના ઈરાની સમોવડિયા હુસેન અમીર-અબ્દુલ્લાહૈનને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાંની નવી સરકાર તમામ ત્રાસવાદી સંગઠનો સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખશે તથા તમામ દેશો સાથે, ખાસ કરીને પડોશી દેશો સાથે સારા સંબંધો બનાવશે એવી આપણે આશા રાખીએ. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની સરહદ ઉત્તર-પૂર્વમાં ચીન સાથે અને પશ્ચિમમાં ઈરાન સાથે જોડાયેલી છે. ઈરાની વિદેશ પ્રધાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અંધાધૂંધીનું મૂળ કારણ છે અમેરિકાની બેજવાબદારી. ઈરાન પણ માને છે કે અફઘાનિસ્તાનમાં એવી સરકારની સ્થાપના થવી જોઈએ જે દેશના તમામ વંશીય જૂથોનાં હિતોનું પ્રતિબિંબ દર્શાવે. ઈરાન ઈચ્છે છે કે અફઘાનિસ્તાનને અંધાધૂંધીમાંથી શક્ય એટલી વહેલી બહાર લાવવામાં મદદરૂપ થવા ચીન સાથે સંકલન મજબૂત બનાવવાની જરૂર છે.