અફઘાનમાં મુલ્લા બરાદરની આગેવાનીમાં સમાવેશી સરકાર રચાશે

કાબુલઃ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી હવે તાલિબાને નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ કરી દીધી છે. સ્વતંત્ર અફઘાનિસ્તાનમાં એક સમાવેશી સરકાર હશે, બધા લોકોના સાથ-સહકારથી સમાવેશી સરકાર રચવામાં આવશે, એમ સાંસ્કૃતિક પંચના સભ્ય અમાનુલ્લા સમાંગનીએ કહ્યું હતું.

તાલિબાન એક એવી સરકાર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જે સમાવેશી આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વીકાર્ય હોય. તાલિબાન શનિવારે કાબુલમાં નવી સરકારની રચનાની ઘોષણા કરે એવી શક્યતા છે, જેનું નેતૃત્વ સંગઠનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર કરી શકે છે. તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કમજો જમાવ્યા પછી બીજી વાર કાબુલમાં નવી સરકારની રચનાની ઘોષણાને સ્થગિત કરી હતી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે નવી સરકારના કેબિનેટ સભ્યો વિશે જાહેરાત આ સપ્તાહે કરવામાં આવશે.

તાલિબાન દ્વારા રચાયેલી સમિતિના સભ્ય ખલીલ હક્કાનીએ જણાવ્યું હતું કે વિવિધ સંગઠનો સાથે વાતચીત ચાલી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન એકલું સરકાર બનાવી શકે છે, પણ તે બધાને સાથે લઈને ચાલવા માગે છે. એટલે સમાવેશી સરકાર પર વિચાર થઈ રહ્યો છે, જેની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. આગામી સપ્તાહ સુધી નવી સરકારની રચના થાય એવી શક્યતા છે. એ નવી સરકારમાં બધાં જૂથોનું પ્રતિનિધિત્વ હશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]