તાલિબાનથી હાર્યા પછી અમેરિકનોની નજરમાં બાઇડનની શાખ તળિયે

વોશિંગ્ટનઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી જે રીતે ઉચાળા ભર્યા છે, એનાથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની લોકપ્રિયતા તળિયે પહોંચી છે. જે રીતે તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો છે અને અફઘાનિસ્તાનમાં અરાજકતા મચી છે, એ માટે અમેરિકન લોકો જો બાઇડનને જવાબદાર માની રહ્યા છે. જો બાઇડનનું ઓલટાઇમ રેટિંગ ઘટીને રસાતળે પહોંચ્યું છે. જો બાઇડનની લોકપ્રિયતા ઐતિહાસિક સ્તરે સૌથી નીચલા ક્રમાંકે પહોંચી છે, એમ અહેવાલ કહે છે.

નવા મેરિસ્ટ નેશનલ પોલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની અપ્રુવલ રેટિંગ 43 ટકા નીચે આવી ગયું છે, જે ડોનાલ્ડ ટ્રમ્પથી પણ ઘણું ઓછું છે. અફઘાનિસ્તાનની સ્થિતિને જે રીતે બાઇડને પ્રતિસાદ આપ્યો છે, એ જોતાં મોટા ભાગના અમેરિકનો તેમને નિષ્ફળ રાષ્ટ્રપ્રમુખ ગણાવતા માની રહ્યા છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં બહુ ખરાબ રીતે હાર્યું છે.

અમેરિકામાં સામાન્ય જનતા હાલ બાઇડનથી ઘણી નારાજ છે.બીજી બાજુ 56 ટકાથી વધુ અમેરિકનો માને છે કે જો બાઇડનમાં વિદેશ નીતિને સંભાળવાની ક્ષમતા નથી.

અમેરિકાની 61 ટકા વસતિ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની ઘરવાપસીની વિરુદ્ધ છે. જોકે મોટા ભાગના અમેરિકનો હજી પણ આ વાતથી અજાણ છે, પણ 71 ટકા અમેરિકનો માને છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ સાબિત થયું છે. જોકે જે 71 ટકા અમેરિકનોએ બાઇડનને નિષ્ફળ માની રહ્યા છે, એમાંથી 73 ટકા લોકો રિપબ્લિકન પાર્ટીના ટેકેદારો છે.

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં 61 ટકા અમેરિકનોએ કહ્યું હતું કે અમેરિકાના લોકોએ અમેરિકાની ભાગીદારી વિના ભવિષ્ય નિર્ધારિત કરવું જોઈએ.