ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ-વિરોધી રસી ફરજિયાત લેવા તથા અન્ય નિયંત્રણોને કારણે કેનેડાની સરકાર પર સખત ભડકી ગયેલા ટ્રકચાલકોએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગણી કરી છે. કેનેડાના પાટનગર ઓટાવામાં આશરે 50 હજાર ટ્રકચાલકો આંદોલન પર ઉતર્યા છે. એમણે પ્રતિજ્ઞા લીધી છે કે ટ્રુડો પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. ટ્રુડો સરકારે ગઈ 15 જાન્યુઆરીએ નિયમ જાહેર કર્યો હતો કે કેનેડામાં પ્રવેશ કરનાર પ્રત્યેક ટ્રકડ્રાઈવરે કોરોના-વિરોધી રસી લીધી હોય એ ફરજિયાત હશે.
દરમિયાન ટ્રક માલિકોનું આંદોલન કેનેડા અને અમેરિકાની સરહદ પરના વિસ્તારો સુધી પ્રસર્યું છે. ત્યાં વ્યાપાર પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે. આંદોલન અમેરિકા ઉપરાંત ફ્રાન્સ અને ન્યૂઝીલેન્ડમાં પણ પ્રસર્યું હોવાના અહેવાલો છે. કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ પર ત્રણ ચેકનાકા પર આંદોલનકારી ટ્રકચાલકોએ અવરોધો મૂક્યા છે. ટ્રકડ્રાઈવરોએ એમના આ આંદોલનને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.