બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી

કેમ્બ્રિજઃ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાંગણમાં આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની રામકથામાં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ અહીં એક હિન્દુ તરીકે ઉપસ્થિત છે, ના કે વડા પ્રધાન તરીકે. તેમણે મોરારી બાપુની વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને ‘જય સિયારામ’નો ઉદઘોષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતાના દિવસે રામકથામાં ઉપસ્થિત રહેવું સન્માન અને આનંદની વાત છે. બાપુએ વડા પ્રધાન સુનકને શિવલિંગની ભેટ આપી હતી.

તેમણે કહ્યું હતું કે મારા માટે આસ્થા વ્યક્તિગત મામલો છે. એ મારા જીવનના દરેક પાસામાં મારું માર્ગદર્શન કરે છે. વડા પ્રધાન બનવું એ મોટા સન્માનની વાત છે, પરંતુ એ કોઈ સરળ વાત નથી. અમારે આકરા નિર્ણયો લેવા પડે છે અને મને વિશ્વાસ છે કે દેશ માટે સૌથી સારું કરવા માટે સાહસ અને શક્તિ મળી રહે છે.

મારા માટે ભગવાન રામ હંમેશાં જીવનના પડકારોનું સાહસની સાથે સામનો કરવો, વિનમ્રતાની સાથે શાસન કરવું અને નિસ્વાર્થ ભાવે કામ કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ રહેશે. હું એ પ્રકારે નેતૃત્વ કરવાની ઇચ્છા ધરાવું છે, જે પ્રકારે હિન્દુ ધર્મગ્રંથોએ નેતાઓને નેતૃત્વ શીખાડ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દીવા પ્રગટાવવા એ અદભુત અને વિશેષ ક્ષણ હતી. મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ટેબલ પર ભગવાન ગણેશની સોનાની મૂર્તિ છે.