સેન ફ્રાન્સિસ્કોઃ અબજોપતિ અમેરિકન જેફ બેઝોસે બેવર્લી હિલ્સ વિસ્તારમાં આવેલા એમના વિશાળ અને ભવ્ય નિવાસસ્થાન ‘વોર્નર એસ્ટેટ’માં આઈસક્રીમ બનાવતું વિરાટ કદનું મશીન મૂકાવ્યું છે. આઈસક્રીમ બનાવતી કંપની CVT સોફ્ટ સર્વ દ્વારા આ પહેલી જ વાર આ મશીન કોઈ રહેણાંક વિસ્તારમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેફ બેઝોસ એના પ્રથમ રેસિડેન્શિયલ ગ્રાહક બન્યા છે. આ મશીન મૂકાતાં બેઝોસના ઘરમાં ગમે ત્યારે મશીનનો નળ ખોલતાં જ આઈસક્રીમ મળી શકશે. આ મશીન એક મોટી ટ્રક જેવડું દેખાય છે. આ મશીનમાંથી ચોકલેટ, વેનિલા અને ટ્વિસ્ટ – એમ ત્રણ સ્વાદમાં આઈસક્રીમ મળે છે. આ મશીનની કિંમત કેટલી છે તે હજી સ્પષ્ટ થયું નથી. લોસ એન્જેલીસસ્થિત CVT આઈસક્રીમ કંપનીની સ્થાપના 2014માં કરવામાં આવી હતી.
57 વર્ષના બેઝોસ 185 અબજ ડોલરની સંપત્તિના માલિક છે. એમેઝોન કંપનીના આ માલિકે ‘વોર્નર એસ્ટેટ’ નિવાસસ્થાન 16.5 કરોડ ડોલરમાં ખરીદ્યું હતું. આ એસ્ટેટનું બાંધકામ 1937માં કરવામાં આવ્યું હતું. આનો એરિયા છે 13,600 સ્ક્વેર ફૂટ. એમાં બે ગેસ્ટ હાઉસ, એક સ્વિમિંગ પૂલ, એક ટેનિસ કોર્ટ છે.