ચીનમાં કોરોના કાબૂમાં; એક મહિનામાં એકેય કેસ નહીં

બીજિંગઃ પડોશના ચીને ફરી એક વાર કોરોનાવાઈરસ રોગચાળાના કેસોની સંખ્યાને ઝીરો કરી દીધી છે. દેશના આરોગ્ય પ્રશાસને જણાવ્યું છે કે જુલાઈ મહિના પછી દેશમાં આ બીમારીનો એકેય કેસ નોંધાયો નથી.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, આ સ્થિતિએ પહોંચવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓએ ઘણા કડક પગલાં લીધાં છે. જેમ કે, તેમણે દરેક શહેરમાં અભૂતપૂર્વ સંખ્યામાં – ડઝનબંધ પરીક્ષણો કર્યા છે. ટેસ્ટિંગ ઉપરાંત ક્વોરન્ટીન નિયમોનું પણ ખૂબ સખ્તાઈપૂર્વક પાલન કરવામાં આવ્યું છે. ચીનના પાટનગર બીજિંગમાં કોરોનાનો એક કેસ નોંધાય એ સાથે જ સમગ્ર શહેરમાં કડક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા હતા. હોટસ્પોટ સ્થળોએથી ટ્રેનો અને વિમાન સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી.