ભારતના 6 રાજ્યના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાએ લગાવ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. અમુક ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનું કારણ વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી અને સ્ટડી વિઝાનો દુરુપયોગ કરી ફુલ-ટાઈમ નોકરી કરવાના આરોપો છે. આ પ્રતિબંધ 2023માં પણ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના જણાવ્યા મુજબ, આ રાજ્યોના અમુક વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર આવીને અભ્યાસ બદલે વોકેશનલ કોર્સમાં જોડાય છે અથવા નોકરી કરવા લાગે છે. આનાથી યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિને નુકસાન થાય છે. ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના અહેવાલ મુજબ, ભારતીય વિદ્યાર્થીઓની લગભગ 24.3% અરજીઓને “ફ્રોડ્યુલન્ટ” અથવા “નોન-જેન્યુઈન” ગણવામાં આવે છે, જે 2012 પછીનો સૌથી ઊંચો રિજેક્શન રેટ છે.

વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી અને ફેડરેશન યુનિવર્સિટી સહિતની સંસ્થાઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અથવા કડક ચકાસણી શરૂ કરી છે. 2023ની શરૂઆતમાં એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે વિક્ટોરિયા યુનિવર્સિટીએ રાજસ્થાન સહિત આઠ રાજ્યો પર નિયંત્રણો લાદ્યા હતા.

અમેરિકા અને કેનેડામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા રિજેક્શન દર વધ્યો છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષક વિકલ્પ બન્યું હતું. જોકે, 2022-23 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની વિઝા મંજૂરી 48% ઘટી, જે ઓસ્ટ્રેલિયાના 2025 સુધી નેટ માઈગ્રેશન અડધું કરવાના લક્ષ્ય સાથે જોડાયેલું છે.

એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝેન્ટેટિવ ઈન ઈન્ડિયા (AAERI)એ આ પ્રતિબંધને ખોટો ગણાવ્યો છે, જણાવ્યું કે વ્યક્તિગત કેસના આધારે મૂલ્યાંકન થવું જોઈએ. ભૂતપૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ પણ આને ખોટો અભિગમ ગણાવ્યો, જે ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી અભ્યાસ કરતા અથવા કામ કરતા ભારતીયોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તેમણે ઉમેર્યું કે આવી નીતિઓ માત્ર ભારત સાથે જ નહીં, ચીન અને અન્ય એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓ સાથે પણ અપનાવવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન સરકારે આ રાજ્યો પર સરકારી સ્તરે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી; આ નિર્ણયો સ્વતંત્ર યુનિવર્સિટીઓ દ્વારા લેવાયા છે. 2023ના પ્રતિબંધો પછી કેટલીક યુનિવર્સિટીઓએ નિયંત્રણો હટાવ્યા હતા, પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કેટલીક સંસ્થાઓએ ફરીથી પ્રતિબંધ લાગુ કર્યો છે. જોકે, ઉચ્ચ રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે આ પ્રતિબંધોની ઓછી અસર થઈ શકે છે, કારણ કે તેમની પ્રવેશ પ્રક્રિયા પહેલેથી જ કડક હોય છે.

આ પ્રતિબંધથી ખાસ કરીને નાની અથવા ઓછી રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અસર થશે. ભારતમાં 60,000થી વધુ કોલેજો હોવા છતાં, ઘણા વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારી લાઈફસ્ટાઈલ અને વૈશ્વિક કારકિર્દીની તકો માટે વિદેશ જવાનું પસંદ કરે છે. આ નીતિઓથી વિદ્યાર્થીઓની આશાઓને નુકસાન થઈ શકે છે, ખાસ કરીને જેઓ નિયમોનું પાલન કરીને અભ્યાસ કરવા ઈચ્છે છે.