ઢાકાઃ બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાનનું કહેવું છે કે દેશમાં દુર્ગા પૂજા મંડપો પર કરવામાં આવેલા હુમલા પૂર્વયોજિત હતા અને આ હુમલાઓ કરવા પાછળનો ઈરાદો બાંગ્લાદેશમાં કોમી એખલાસનો નાશ કરવાનો હતો. એમણે કહ્યું કે, ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનની કથિત બદનામી અને ત્યારબાદ કોમિલ્લામાં હિન્દુઓ પર કરાયેલા હુમલા – આ બધું પૂર્વયોજિત હતું અને એની પાછળનો ઈરાદો દેશમાં કોમી એખલાસના વાતાવરણને બગાડવાનો હતો. કોઈક સ્થાપિત જૂથે આ બધું ભડકાવ્યું હતું એવું અમારું માનવું છે.
કોમિલ્લા જિલ્લામાં અનેક ઠેકાણે દુર્ગા પૂજા મંડપો પર હુમલા કરવામાં આવ્યા હતા. એ માટે સેંકડો લોકો સામે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં કેટલાકના નામ આપવામાં આવ્યા છે તો કેટલાક આરોપી અજાણ્યા શખ્સો તરીકે છે. અસદુઝમાન ખાને કહ્યું છે કે, જ્યારે અમને બધા પુરાવા મળશે એ પછી અમે આ હિંસાચારમાં સંડોવાયેલાઓના નામ જાહેર કરીશું અને એમને સખત સજા કરીશું. કોમિલ્લા ઉપરાંત રામુ અને નાસીરનગરમાં પણ કોમી હિંસા ભડકાવવામાં આવી હતી. જોકે શનિવારની રાતથી હિંસાનો કોઈ બનાવ નોંધાયો નથી.
દરમિયાન, ભારતમાં કોલકાતા, નવી દિલ્હી સહિત અનેક સ્થળોએ શાંતિપૂર્ણ દેખાવો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓનો વિરોધ કરવામાં આવ્યો છે.
