નીરવ મોદીની અરજી અમેરિકાની નાદારી કોર્ટે ફગાવી

ન્યૂયોર્કઃ હિરાના ભાગેડુ વેપારી નીરવ મોદી અને એમના બે સહયોગી – મિહિર ભણસાલી અને અજય ગાંધીએ નોંધાવેલી એક પીટિશનને અમેરિકાની દેવાળિયાપણા માટેની એક અદાલતે નકારી કાઢી છે. મોદી તથા એમના સહયોગીઓએ પીટિશનમાં એવી માગણી કરી હતી કે તેઓ પરોક્ષ રીતે જેના માલિક હતા એ અમેરિકાની ત્રણ કંપનીઓના ટ્રસ્ટીએ એમની સામે કરેલા છેતરપીંડીના આરોપોને પડતા મૂકવામાં આવે. આ ત્રણ કંપની છે – ફાયરસ્ટાર ડાયમંડ, ફેન્ટેસી ઈન્કોર્પોરેશન અને એ. જેફી. 50 વર્ષીય મોદીનો દાવો છે કે પોતે અગાઉ આ ત્રણેય કંપનીના પરોક્ષ માલિક હતા. એમની સામે છેતરપીંડીના આરોપ મૂક્યા છે આ ત્રણ કંપનીઓ માટે અદાલતે નિમેલા ટ્રસ્ટી રિચર્ડ લેવિને. લેવિને માગણી કરી છે કે કરજદારો નીરવ મોદી અને એમના સહયોગીઓને કારણે કંપનીઓને થયેલા નુકસાન બદલ એમને ઓછામાં ઓછા દોઢ કરોડ ડોલર વળતર પેટે ચૂકવે.

નીરવ મોદી હાલ બ્રિટનની જેલમાં છે. પંજાબ નેશનલ બેન્ક સાથેના કૌભાંડના કેસમાં છેતરપીંડી અને મની લોન્ડરિંગના આરોપ ઉપર નીરવ મોદીના પ્રત્યાર્પણ માટેનો કેસ ભારત સરકાર બ્રિટનની અદાલતમાં લડી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]