ટ્રમ્પે પોતાની સોશિયલ-મિડિયા સાઈટ શરૂ કરી ‘ટ્રુથ-સોશિયલ’

ન્યૂયોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મિડિયા પરથી હાંકી કાઢવામાં આવ્યા એને 9 મહિના થયા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પૂર્વે, આ વર્ષની 6 જાન્યુઆરીએ, રાષ્ટ્રીય પાટનગર વોશિંગ્ટનમાં સંસદભવન (કેપિટોલ) ખાતે પોતાની તરફેણમાં પ્રચંડ બળવો કથિતપણે કરાવવાનો જેમની પર આરોપ છે તે ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે કે એમણે પોતાની નવી મિડિયા કંપની શરૂ કરી છે જેનું પોતાનું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પણ છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટર અને ફેસબુક કંપનીઓએ ટ્રમ્પના એકાઉન્ટ કાયમને માટે બંધ કરીને એમને હાંકી કાઢ્યા છે. એમની પર કાયમનો પ્રતિબંધ મૂકી દીધો છે.

ટ્રમ્પે પોતાની નવી કંપનીનું નામ રાખ્યું છે – ટ્રમ્પ મિડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ અને એના સોશિયલ મિડિયા પ્લેટફોર્મનું નામ રાખ્યું છે – ‘ટ્રુથ સોશિયલ (TRUTH Social).’ પોતાની હકાલપટ્ટી કરનાર ટેક્નોલોજી ક્ષેત્રની ધુરંધર કંપનીઓને ટક્કર આપવા માટે ટ્રમ્પે પોતાની કંપની શરૂ કરી છે. એક નિવેદનમાં એમણે કહ્યું છે, આપણે એવા જગતમાં રહીએ છીએ જ્યાં ટ્વિટર પર તાલિબાનની મોટી હાજરી છે. તે છતાં તમારા ફેવરિટ અમેરિકન પ્રમુખને ચૂપ કરી દેવામાં આવ્યા છે. આ જરાય સ્વીકાર્ય નથી.