હોલીવુડ એક્ટરે ફિલ્મના સેટ પર ભૂલથી ગોળી છોડી, મહિલા સિનેમેટોગ્રાફરનું મૃત્યુ

લોસ એન્જેલીસઃ હોલીવુડ ફિલ્મ ‘રસ્ટ’ના શૂટિંગ વખતે અભિનેતા એલેક બાલ્ડવીનની એક પ્રોપ ગનમાંથી છૂટેલી ગોળી વાગતાં ફિલ્મનાં મહિલા સિનેમેટોગ્રાફર હેલીના હચિન્સનું મૃત્યુ નિપજ્યું છે. હચિન્સ 42 વર્ષનાં હતાં. ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1.50 વાગ્યે ન્યૂ મેક્સિકોના સાન્તા ફે કાઉન્ટી શહેરમાં એક ખાડી નજીક ફિલ્મના શૂટિંગ વખતે બનેલી તે ઘટનામાં ફિલ્મના ડાયરેક્ટર જોએલ સૂઝા (48) ઘાયલ થયા છે. પોલીસે આ કેસમાં બાલ્ડવીનની પૂછપરછ કરી હતી અને એમને છોડી મૂકવામાં આવ્યા છે. આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડ કરાઈ નથી કે ગુનો નોંધવામાં આવ્યો નથી. તપાસ ચાલુ છે અને તે પારદર્શક અને સક્રિય રહેશે. તપાસનીશ પોલીસ અધિકારીઓ તથા ડીટેક્ટીવો ઘટનાના સાક્ષીદારોની પૂછપરછ કરી રહ્યા છે.

ગોળી વાગ્યા બાદ હચિન્સને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યાં હતાં. જ્યારે સૂઝાને એમ્બ્યુલન્સ દ્વારા અન્ય મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમની સારવાર ચાલુ છે. ફિલ્મના નિર્માતાઓએ હેલીના હચિન્સનાં પરિવારજનોને દિલસોજી વ્યક્ત કરી છે. નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ હાલ અનિશ્ચિત સમય સુધી અટકાવી દીધું છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ કહ્યું કે શૂટિંગ વખતે ખાલીખમ (બ્લેન્ક) પ્રોપ ગનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજી સુધી સ્પષ્ટ નથી થયું કે એ બંદૂકમાં અસલી ગોળી ભરી હતી કે થિયેટ્રિકલ બ્લેન્ક્સમાં ઉપયોગમાં લેવાતા દારૂગોળાએ બંદૂકની બેરલમાંથી કોઈક પ્રકારનો કચરો છોડ્યો હશે.