બધે ઠેકાણે શિયા-મુસ્લિમોને ટાર્ગેટ બનાવીશુંઃ ISની ચેતવણી

કાબુલઃ 60 નમાઝીઓના મરણ અને 80થી વધુને ઘાયલ કરનાર અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતની એક મસ્જિદના એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના બે દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે કે શિયા મુસ્લિમોને બધે ઠેકાણે લક્ષ્ય બનાવવામાં આવશે. દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહારમાંના ભયાનક વિસ્ફોટની જવાબદારી આઈએસ સંગઠને જ લીધી છે. એણે કહ્યું કે એના બે હુમલાખોરોએ ફાતિમીયા મસ્જિદના પ્રવેશદ્વાર પર પહેરો ભરતા બે ચોકિયાતોને ઠાર માર્યા હતા. ખામા પ્રેસ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ત્રાસવાદી સંગઠને કહ્યું છે કે બગદાદથી લઈને ખોરાસન, એમ બધે જ ઠેકાણે શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવશે. શિયા મુસ્લિમોને એમના ઘર અને કેન્દ્રો ઘૂસીને ટાર્ગેટ બનાવવામાં આવશે.

અમેરિકાના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધા બાદ ગયા શુક્રવારે કરાયેલો આતંકવાદી હુમલો સૌથી ભયાનક હતો. એ પહેલાં ઉત્તર અફઘાનિસ્તાનમાં શિયા સમુદાયનાં લોકોની એક મસ્જિદ પર ઈસ્લામિક સ્ટેટ સંગઠને કરાવેલા હુમલામાં 46 જણ માર્યા ગયા હતા. ઈસ્લામિક સ્ટેટ સંગઠન અફઘાનિસ્તાનના શાસક તાલીબાન અને પશ્ચિમી દેશો, એમ બંનેનું દુશ્મન છે. તે અફઘાનિસ્તાનમાં પોતાનો પગપેસારો વધારવા માગે છે.