લંડનઃ વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નિકનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. હોલિવુડ ફિલ્મોની કલ્પનાથી આગળ નીકળીને AI ટેક્નિકનો ઉપયોગ હવે અમારા જીવનનો હિસ્સો બની ગઈ છે. ન્યૂઝ એન્કરથી માંડીને વર્ચ્યુઅલ ટીચર્સ સુધી AIની મદદ લેવામાં આવે છે. હવે આ ટેક્નિક હરણફાળ ભરી રહી છે.
વાસ્તવમાં સૌપ્રથમ વાર એક AI ઉમેદવાર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. વળી, એ કોઈ પંચાયત કે બ્લોકમાં નહીં, પરંતુ દેશની સંસદની ચૂંટણીમાં એ વર્ચ્યુઅલ ઉમેદવાર પોતાનો દાવો ઠોકવાની તૈયારીમાં છે.
AI ઉમેદવારનો ચૂંટણી લડવાનો દાવો બ્રિટનમાં થયો છે. ચોથી જુલાઈએ દેશની સંસદ માટે મતદાન કરવામાં આવશે. વાસ્તવમાં બ્રિટનની ચૂંટણી પર વિશ્વઆખાની નજર છે. વડા પ્રધાન ઋષિ સુનકે PMપદથી રાજીનામું આપ્યું છે અને દેશમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી છે. અહીં ચૂંટણી માટે પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, જેમાં એક AI ઉમેદવાર AI સ્ટીવે પણ પોતાનું નામાંકન ભર્યું છે. જેથી ચૂંટણી અલગ જ ચર્ચાનો વિષય બની છે.
બ્રિટનની ચૂંટણીમાં AI ઉમેદવારને ઉતારવાનો આઇડિયા એક બિઝનેસમેન સ્ટીવ એન્ડાકોટનો છે. 59 વર્ષીય એન્ડાકોર્ટે નામાંકન પત્રમાં પોતાનું નામ AI સ્ટીવ લખ્યું છે અને ફોટાની જગ્યાએ એક જનરેટેડ ફોટો લગાવ્યો છે. એ AI જનરેટેડ એટલે કે AI સ્ટીવની જગ્યાએ ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ રીતે સ્ટીવ ચૂંટણી લડવાવાળો વિશ્વનો પહેલો AI ઉમેદવાર બની ગયો છે.