મોબ લિન્ચિંગઃ પાકિસ્તાનમાં ભીડે સંદિગ્ધને જીવતો સળગાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભીડે ધર્મને નામે પોલીસ સ્ટેશનમાંથી કાઢીને એક સંદિગ્ધ વ્યક્તિને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદ્યન વિસ્તારમાં આ ઘટના બની હતી. સ્વાત જિલ્લાના DPO ડો. જાહિદુલ્લા ખાને જણાવ્યું હતું કે આ હંગામામાં આઠ લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે કુરાનના અપમાનને મામલે પોલીસ આરોપીને ભીડથી બચાવીને સ્ટેશનમાં લઈ ગઈ હતી, પરંતુ ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને સંદિગ્ધ વ્યક્તિને પોતાની સાથે લઈ ગઈ હતી.

આ ભીડે પોલીસ સ્ટેશન અને સ્ટેશનમાં ઊભેલાં વાહનોમાં આગ પણ લગાડી દીધી હતી. આ સિવાય કથિત આરોપીને પણ આગના હવાલે કર્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ પૂરો કેસ સામે નથી આવ્યો, એમ DPOએ કહ્યું હતું. સોશિયલ મિડિયા પર ઘટનાથી જોડાયેલા કેટલાય વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પડેલા મૃતદેહને ભીડે આગને હવાલે કરી દીધો હતો. મૃતદેહને આગ લગાવ્યા પછી ભીડ ચારે બાજુ ઊભી હતી અને જશ્ન મનાવી રહી હતી. એક અન્ય વિડિયોમાં ભીડ પોલીસ સ્ટેશનની બહાર હંગામો કરતી નજરે ચઢી રહી છે.

મદ્યનમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં છે અને ટેન્શનને ઓછું કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મદ્યન સ્વાત ખીણનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે, આ ઘટનાની તપાસના આદેશ પણ મુખ્ય મંત્રીએ આપ્યા છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં કરવા જરૂરી પગલાં ભરી રહી છે.