VIDEO: ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીની સંન્યાસની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ 16મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કરી. તેમણે જણાવ્યું કે તે 6મી જૂને કુવૈત સામે યોજાનારા ફીફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફૂટબોલની કારકિર્દીને અલવિદા કહી દેશે. 39 વર્ષીય ફૂટબોલરે 12મી જૂન 2005એ પાકિસ્તાન સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને આ મેચમાં ભારત માટે ગોલ પણ કર્યો હતો. સુનીલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેમણે 93 ગોલ કર્યાં છે.સુનીલ છેત્રી ભારતના ઓલ ટાઈમ હાઈ સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે ઈન્ટરનેશનલ ફુટબોલને અલવિદા કહેશે. તે એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે લીજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી બાદ ત્રીજા સ્થાને છે.સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોતાના ડેબ્યૂથી લઈને સમગ્ર કરિયરને યાદ કર્યું છે. આ વીડિયોમાં તેઓ ખૂબ ઈમોશનલ પણ જોવા મળ્યા. 9 મિનિટ અને 45 સેકન્ડનો આ વીડિયો ભારતીય કેપ્ટને એ લખીને પોસ્ટ કર્યો કે હું તમને કંઈક કહેવા માગુ છું.

https://twitter.com/i/status/1790953336901976541

ભારતીય ફૂટબોલ ટીમના આ કેપ્ટને તેની કારકિર્દીમાં કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.