ભારતે UNમાં પાકિસ્તાનને આડે હાથ લીધું

ન્યુ યોર્કઃ ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનને તેની હદ બતાવી દીધી. UNમાં ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતાં આરોપ મૂક્યો હતો કે ઈસ્લામાબાદ પોતાના જ લોકો પર બોમ્બમારી કરી રહ્યું છે અને નવી દિલ્હીને નિરાધાર આરોપોથી ઘેરવા માટે આ મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.

 ભારતની પ્રતિક્રિયા

ભારતની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ખીણમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં હતાં. સોશિયલ મિડિયા પર આ વિસ્તારના વિડિયો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ પર કાટમાળ પડેલો દેખાય છે, વાહનો સળગેલાં છે અને ધરાશાયી ઇમારતોમાંથી મૃતદેહો મળી રહ્યા છે.

UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું

UN માનવાધિકાર પરિષદના સત્ર દરમિયાન  બોલતાં 2012 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી અને રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે પાકિસ્તાનનું  પ્રતિનિધિમંડળ આ મંચનો દુરુપયોગ ભારત સામે નિરાધાર અને ઉશ્કેરણીજનક નિવેદનો માટે કરતું રહે છે.

તેમણે કહ્યું હતું કે અમારા પ્રદેશ પર લોભ રાખવાને બદલે, તેમને પોતાના ગેરકાયદે કબજાવાળા ભારતીય પ્રદેશને ખાલી કરવો જોઈએ અને જીવલેણ સહાય પર આધારિત અર્થતંત્ર, સૈન્યના પ્રભુત્વથી દબાયેલા રાજકારણ અને દમનથી દાગદાર માનવાધિકાર રેકોર્ડને બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. એ કદાચ પછી, જ્યારે તેઓ આતંકવાદની નિકાસ કરવાથી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવાથી અને પોતાના જ લોકો પર બોમ્બમારી કરવાથી ફુરસદ મેળવે.

ખૈબર પખ્તૂનખ્વામાં શું થયું?

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની તિરાહ ખીણમાં થયેલા વિસ્ફોટમાં લગભગ 24 લોકોનાં મોત થયાં, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. અહેવાલ અનુસાર પાકિસ્તાની વાયુસેનાના (PAF) વિમાનો દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓમાં આ મોત થયાં હતાં.