ફાઇનલમાં પહોંચવા માટે ભારતને અપાયો 265 રનનો લક્ષ્યાંક

દુબઈઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમી ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ માટે સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી. ભારત તરફથી, મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તીને બે વિકેટ મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને બોલ્ડ કરી ટીમને દસમી વિકેટ અપાવી હતી.

આ પહેલાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા,જ્યારે સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા.  એલેક્સ કેરી ઉમદા બેટિંગ કરી હતી. તેણે 57 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જોકે, 58માં બોલે શ્રેયસ ઐયરે તેને રનઆઉટ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા મળી છે.

કેપ્ટન તરીકે રોહિત શર્માનું નસીબ ઓછામાં ઓછું ટોસના મામલે તો સતત ખરાબ જ છે. હવે તે કેપ્ટન તરીકે વન ડેમાં સતત 11મી વખત ટોસ હાર્યો છે. આ કારણે તે વનડેમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ટોસ ગુમાવનારા કેપ્ટન્સની યાદીમાં બીજા ક્રમે આવી છે.

રોહિત શર્મા નવેમ્બર 2023થી માર્ચ 2025ની વચ્ચે કેપ્ટન તરીકે સતત 11 વખત ટોસ હારી ચૂક્યો છે. આ સાથે તેણે માર્ચ 2011થી લઈને 2013 સુધી સતત 11 વખત ટોસ હારનારા નેધરલેન્ડના પીટર બોરેનની બરોબરી કરી લીધી હતી.