ભારતે આપી દિવાળી ભેટ, નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું

ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. ડચ ટીમને 411 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 47.5 ઓવરમાં 250 રન પર જ સિમિત રહી ગઈ હતી. નેધરલેન્ડના છેલ્લા બેટ્સમેનને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. ભારતના 410 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે તેજા નિદામાનુરુએ 39 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. બારાત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માને 1-1 સફળતા મળી છે.

ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર (128 અણનમ) અને કેએલ રાહુલ (102)એ સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં ભારતનો બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ પહેલા શુભમન ગિલ 51, રોહિત શર્મા 61 અને વિરાટ કોહલીએ 51 અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ટોચના 5 ખેલાડીઓએ 50થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલે માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. રાહુલ હવે ભારત માટે વિશ્વમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.