ભારત કોઈ પણ મધ્યસ્થતાને સ્વીકારતું નથીઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત કોઈ પણ પરિસ્થિતિમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા નથી સ્વીકારતું, ન પહેલાં સ્વીકારી હતી, ન હવે કરે છે અને ન તો ભવિષ્યમાં કરશે. G-7 શિખર સંમેલનમાં આ સ્પષ્ટ સંદેશ સીધો ટ્રમ્પને ફોન દ્વારા આપ્યો હતો, કારણ કે ટ્રમ્પ સાથે ઈઝરાયલ-ઈરાન સંકટને કારણે રૂબરૂ મુલાકાત શક્ય  નહોતી બની.

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આ ફોન સંવાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈચ્છા પર થયો હતો અને લગભગ 35 મિનિટ ચાલ્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારતની નીતિ સ્પષ્ટ કરી હતી કે કાશ્મીર કે પાકિસ્તાન સાથે સંબંધિત વિષયો સંપૂર્ણપણે દ્વિપક્ષી છે અને કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા ક્યારેય સ્વીકાર્ય નથી રહી।

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે પણ વડા પ્રધાને સ્પષ્ટતા કરી કે તાજેતરમાં જે સૈન્ય તણાવ જોવા મળ્યો હતો, તેમાં ન તો અમેરિકા અને ન કોઈ અન્ય દેશની મધ્યસ્થતા થઈ હતી. સરહદ પરના સેનાની કાર્યવાહીઓ રોકવા માટે જે ચર્ચાઓ થઈ હતી, તે બંને દેશોની સૈન્ય સંસ્થાઓ વચ્ચે પહેલેથી હાજર ચેનલ્સ દ્વારા જ થઈ હતી અને તે પણ પાકિસ્તાનની પહેલ પર.

આ સંવાદમાં વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ઓપરેશન ‘સિન્દૂર’ વિશે પણ માહિતી આપી હતી,જેમાં ભારતે સરહદ પાર આતંકવાદના જવાબમાં ઘાતક સૈન્ય કાર્યવાહી કરી હતી. આ મુદ્દે ટ્રમ્પે પણ મોદીને આતંકવાદ સામે ભારતને સમર્થન આપવા માટે ખાતરી આપી હતી.

વિદેશ સચિવે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ભારતમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે, જોકે મુલાકાતની તારીખ અને સ્વરૂપ અંગે હજી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

આ નિવેદનને અમેરિકા માટે એક કૂટનીતિક સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કે ભારત તેના પ્રાદેશિક મુદ્દાઓમાં કોઈ પણ ત્રીજા પક્ષની દખલઅંદાજી સહન કરશે નહીં.