બહિષ્કાર ખતમ કરવા માટે પાકિસ્તાને ICC સમક્ષ મૂકી ત્રણ માગ

નવી દિલ્હીઃ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે પાકિસ્તાનની મેચ હજુ અનિશ્ચિતતામાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત સામે રમવા માટે પાકિસ્તાને ઇનકાર કર્યો હોવાનું કહેવાય છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ બાબતે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને લેખિતમાં કોઈ સત્તાવાર જાણ કરી નથી. તેથી આશા રાખવામાં આવી રહી છે કે 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન મેચ જોવા મળી શકે.

T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો ભારત-પાકિસ્તાન મુકાબલો યોજાઈ શકે તે માટે ICC પણ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે. રવિવારે ICC અને PCB ચીફ મોહસિન નકવી વચ્ચે બેઠક થઈ હતી, જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ પણ હાજર હતા. ભારત સામેની મેચનો બહિષ્કાર ખતમ કરવા માટે પાકિસ્તાને ICC સમક્ષ ત્રણ મોટી માગો મૂકી છે. જેમાંથી એક એવી માગ છે જેને ભારત સ્વીકારશે તેવી શક્યતા બહુ ઓછી છે.

પાકિસ્તાને ICC સમક્ષ મૂકી આ ત્રણ માગ

એક રિપોર્ટ મુજબ PCB ચીફ મોહસિન નકવીએ ભારત સામેનો બહિષ્કાર પાછો ખેંચવા બદલ ICC સમક્ષ ત્રણ શરતો મૂકી છે. તેમણે વર્લ્ડ બોડી પાસેથી વધુ રેવેન્યુ શેરની માગ કરી છે અને ભારત સાથે દ્વિપક્ષી ક્રિકેટ સિરીઝ ફરી શરૂ કરવાની પણ માગ કરી છે. ઉપરાંત, તેમણે એ પણ કહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવો જોઈએ.

પાકિસ્તાનની બીજી માગ ભારત ક્યારેય સ્વીકારશે નહીં

ગયા વર્ષે ભારતમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પ્રત્યેનું વલણ વધુ કડક બન્યું છે. આ ઘટના બાદ એશિયા કપ 2025થી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું પણ બંધ કર્યું છે. પાકિસ્તાનની બાકી બે માગણીઓ માન્ય થઈ શકે, પરંતુ દ્વિપક્ષી સિરીઝ ફરી શરૂ થવી મુશ્કેલ લાગે છે.