નવી દિલ્હીઃ દેશના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના કારણે સરકારોએ ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપી છે. દિલ્હીમાં સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે અને તમામ હોસ્પિટલોને ચેતવણી સાથે સંપૂર્ણ તૈયારી રાખવા સૂચના આપી છે. દિલ્હીમાં લગભગ ત્રણ વર્ષ પછી ફરીથી COVID-19 ના કેસ નોંધાયા છે.
એ જ રીતે, ગુજરાત, હરિયાણા, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. ગુરુવારના દિવસે ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા હતા, જ્યારે હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાંથી કોરોના સંક્રમણના ત્રણ કેસ નોંધાયા છે.કેરળનાં આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે રાજ્યમાં મેથી માસ દરમિયાન COVID-19ના 182 નવા કેસ નોંધાયા છે.
કર્ણાટકના આરોગ્ય મંત્રી દીનેશ ગુંડુ રાવે પુષ્ટિ કરી હતી કે 21 મેથી રાજ્યમાં કોરોનાના 16 સક્રિય કેસ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં નવ મહિનાના એક બાળકીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.
કયો વેરિઅન્ટ જવાબદાર છે?
આ નવી લહેર માટે ઓમિક્રોનનો JN.1 વેરિયન્ટ અને તેના સબ-વેરિયન્ટ LF.7 અને NB.1.8 જવાબદાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ડિસેમ્બર 2023માં JN.1 ને ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે જાહેર કર્યો હતો. આ વેરિયન્ટ વધુ સંક્રમક છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તે અગાઉના વેરિયન્ટની તુલનામાં વધુ ખતરનાક નથી. શહેરમાં કોરોનાનાં હળવાં લક્ષણો જોવા મળે છે જેમાં તાવ, ઉધરસ, ગળામાં ખંજવાળ અને શરીરમાં દુખાવો થાય છે.
