રાજકોટ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામની નદીમાં ભારે પૂર આવતા 3 લોકો ફસાયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દેવરખીભાઈ, નેભાભાઈ, કેસૂરભાઈ નામના ખેડૂતોનું રેસ્ક્યૂ કરાયું છે. ત્રણેય ખેડૂતો ગામમાંથી વાડીએ પરત ફરતા ફસાયા હતા. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે 4 લોકો, ટંકારિયા ગામે 4 લોકોને વહિવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર રામભાઇ સુવા, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પી.એસ.આઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)