વડોદરા:બીજા નોરતાની રાત્રે ભાયલી વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસમાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે.
એસ.પી.રોહન આનંદની અધ્યક્ષતામાં રચાયેલ સીટમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી. બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જેના પગલે આરોપીઓને ઘટનાના ચાર દિવસમાં જ શોધીને ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. આ સમયે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.6 દિવસની પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓ પાસેથી સીટે તમામ માહિતીઓ મેળવીને આરોપનામું ઘડી કાઢ્યુ છે. કુલ 6,000 પાનાની ચાર્જશીટમાં 100થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યા છે. પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.