કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને આ અંગે રાજકીય ગરમાટો પહેલેથી જ વધી ગયો છે. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવશે તો મુસ્લિમ વિધાનસભ્યોને બહાર કાઢી મૂકશે. ભાજપના નેતાના આ નિવેદનથી વિવાદ ઊભો થયો છે.
વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભા અધ્યક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભાજપના ધારાસભ્યના માઈક બંધ થવા પર આ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવશે પછી, અમે TMCના તમામ મુસ્લિમ ધારાસભ્યોને પણ ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું.તેમના આ નિવેદન બાદ રાજકારણ પણ તેજ થઈ ગયું છે. અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે સુવેન્દુએ આવું નિવેદન આપ્યું હોય, આ પહેલાં પણ તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં રહી ચૂક્યા છે. સુવેન્દુ અધિકારીના વિવાદાસ્પદ નિવેદન બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેમના ભાષણને ‘દ્વેષપૂર્ણ’ ગણાવ્યું છે. એટલું જ નહીં, TMCએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
સુવેન્દુ અધિકારીને 17 ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે તેમને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યની મમતા સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે આ સરકાર સાંપ્રદાયિક વહીવટ ચલાવી રહી છે અને તેમણે તેને મુસ્લિમ લીગનું બીજું સ્વરૂપ પણ ગણાવ્યું હતું. હાલમાં, સુવેન્દુના આ નિવેદન પર ભાજપ હાઇકમાન્ડ મૌન છે.
