ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે વાલિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા.
તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે બે કલાકમાં જ પાંચ ઈંચ જ્યારે ગત 24 કલાકમાં 7.6 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક જાહેર માર્ગો પર વાહનો તણાયા હતા. બીજી તરફ તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા.
હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો ત્રીજી સપ્ટેમ્બર એટલે કે મંગળવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી સપ્ટેમ્બરને બુધવારે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી સપ્ટેમ્બરને ગુરૂવારે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.